Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ.

તારીખ: ૦૨-૧૦-૨૦૨૪ થી ૦૮-૧૦-૨૦૨૪ સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી-૨૦૨૪ અંતર્ગત તારીખ ૦૭-૧૦-૨૦૨૪નાં દિને  ઔદ્યોગિક સંસ્થા ધરમપુર ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.

ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આ વર્ષે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી કરવામાં આવી રહી છે. આ સપ્તાહના ઉજવણીનો મુખ્ય હેતુ છે વન્યપ્રાણીઓના સંરક્ષણની મહત્વતા પર જાગૃતિ લાવવી અને લોકોમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના વિકસાવવી.

વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ, જંતુઓ, પક્ષીઓ અને પ્રકૃતિના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે. વન્ય પ્રાણીઓ આપણા પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે અને તેમનું સંરક્ષણ જીવનચક્ર માટે આવશ્યક છે. આ સપ્તાહ દરમિયાન વિધાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક સમાજને વન્ય પ્રાણીઓ અને તેમની સંરક્ષણની જરૂરિયાત વિશે માહિતી આપવામાં આવી.

સાંઈનાથ હોસ્પિટલ, ધરમપુરનાં ડો. ધીરૂભાઈ સી. પટેલ સાહેબ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. તેમણે વિધાર્થીઓને વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને તેની માનવજાત સાથેની જોડાણ વિશે માર્ગદર્શન આપ્યું હતું તેમજ ઝેરી અને બિન ઝેરી સર્પ દંશ બાબતે પ્રાથમિક સારવાર દરમ્યાન કઈ કઈ બાબતે કાળજી અને સાવધાની રાખવી તેની વિગતે માહિતી આપી હતી.

 તેમજ નિષ્ણાતોના પ્રવચનોમાં  પર્યાવરણ નિષ્ણાત અને ફોરેસ્ટ  ઓફિસરો દ્વારા કાર્યક્રમ અનુરૂપ પ્રવચનો કરવામાં આવ્યા હતા.  જેમાં શ્રી પ્રગ્નેશભાઈ રાઠોડ (એજયુકેશન ઓફિસર જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર )ડો. મહર્ષિ પંડયા (સિનીયર સાઈન્ટીસ ઓફિસર, ધરમપુર) ,શ્રી દક્ષયભાઈ આહીર ,Ex. Army (વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટ્રસ્ટ નવસારી),શ્રીમતી પ્રતિભાબેન આઈ. પટેલ (રેંજ ફોરેસ્ટ ઓફિસર, હનમતમાળ), શ્રીમતી હિનાબેન એસ. પટેલ (રેંજ ફોરેસ્ટ ઓફિસર, પંગારબારી),શ્રી હિરેનકુમાર ડી. પટેલ (રેંજ ફોરેસ્ટ ઓફિસર, ધરમપુર) દ્વારા વૈશ્વિક કટોકટી અને વન્ય પ્રાણીઓના રહેઠાણનું બગાડ થવા અંગે માહિતી આપવામાં આવી. વન્યજીવન નિષ્ણાતો દ્વારા વન્યપ્રાણીઓના સંરક્ષણમાં નવી ટેક્નોલોજીનાં ઉપયોગ વિશે ચર્ચા કરવામાં આવી.

વન્યપ્રાણી સપ્તાહ દર વર્ષે વૈશ્વિક સ્તરે જાનવર અને તેઓનાં વસવાટના સ્થળોને સુરક્ષિત કરવા અને જાળવી રાખવાના પ્રયાસરૂપે  ઉજવવામાં આવે છે. આ સ્નેહપૂર્ણ જીવનશૈલી અને નૈતિક જવાબદારી તરફના આપણા કદમોને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

તાલુકા કક્ષાએ  વિવિધ સંસ્થાઓમાં  ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા યોજાઇ હતી, જેમાં નિબંધ સ્પર્ધામાં BRS કોલેજ ધરમપુરના વૈજલ આનંદભાઈ મોહનભાઇ પ્રથમ ક્રમાંક, ચૌહાણ હાર્દિકભાઈ  મુકેશભાઈ દ્વિતીય ક્રમાંક અને મહાકાળ નેહાલીબેન ઈશ્વરભાઈ તૃતિય ક્રમાંક મેળવ્યો હતો જેઓને ડૉ. ધીરુભાઈ પટેલ ના હસ્તે શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. 

જ્યારે ચિત્ર સ્પર્ધા બે પ્રાથમિક શાળાઓમાં  યોજાઈ હતી જેમાં  પ્રથમ શાળા ધામણી પ્રાથમિક શાળામાં દેવળીયા અક્ષરાબેન યોગેશભાઇ પ્રથમ ક્રમાંક, ચૌધરી વૈશાલીબેન બિસ્તુભાઈ દ્વિતીય ક્રમાંક અને ચૌધરી દિવ્યાબેન બિસ્તુભાઇ તૃતિય ક્રમાંક મેળવ્યો હતો તેઓને ડૉ. મહર્ષિ પંડ્યા ના હસ્તે શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.


દ્વિતીય શાળા તરીકે  મોટી ઢોલ ડુંગરી પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધામાં  પટેલ નીલકુમારી ઉક્કડભાઈ પ્રથમ ક્રમાંક, પટેલ ઐશ્વરી અનિલકુમાર દ્વિતીય ક્રમાંક અને પટેલ હીનાલીકુમારી અમૃતભાઈએ તૃતીય ક્રમાંક મેળવ્યો હતો જેઓને RFO શ્રી એચ. ડી .પટેલ સાહેબશ્રી ના હસ્તે શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે વલસાડ અને ધરમપુરનાં પત્રકારશ્રીઓમાં ભરતભાઈ પાટીલ, રફિકભાઈ, મુકેશભાઈ,  ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઔધાગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રી તેમજ ઇન્સ્ટ્રક્ટરશ્રીઓ મનિષભાઇ,પ્રવીણભાઈ,કનુભાઈ TCPL કોર્ડિંનેટેર  સુજલભાઈ સહિત તમામ સ્ટાફ મિત્રો, તાલીમાર્થીઓ, BRS કોલેજના વિદ્યાર્થીઓ, બંને શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો, વન વિભાગનાં કર્મચારીઓ ઉપસ્થિત રહયાં હતાં

 પ્રાણી સપ્તાહની ઉજવણી સફળ રહી. વિધાર્થીઓ અને સમાજના સભ્યોએ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ કાર્યક્રમથી લોકોને વન્ય પ્રાણીઓ પ્રત્યેની જવાબદારી અને તેમની સુરક્ષાના મહત્વ વિશે વધુ જ્ઞાન મળ્યું હતું.

પર્યાવરણ મંત્રીએ પોતાના સંદેશામાં કહ્યું છે કે, "વન્યપ્રાણીઓ આપણા પર્યાવરણનું મહત્વપૂર્ણ ભાગ છે. તેમની સન્માન સાથે રક્ષા કરવી અને તેમનાં આસ્તિત્વને જાળવી રાખવી આપણા સર્વનો મુખ્ય ધ્યેય છે. ચાલો, આપણે મળીને આ અભિયાનને વધુ મજબૂત બનાવીએ."